સ્વાતંત્ર્ય સેનાની સ્વ.મકનજી કુંવરજી દેસાઈ



જન્મ:-  ૨૫-૦૯-૧૮૯૩    અવસાન :-   ૦૩-૦૬-૧૯૮૨ 
             તા.૨૫-૦૬-૧૯૧૦ થી ૨૫-૦૯-૧૮૪૮ સુધી પ્રાથમિક શિક્ષક તરીકે જુના સુરત જીલ્લામાં કામ કર્યું હતું.૧૯૨૧ માં તેઓ ખાપરીયા પ્રાથમિક શાળામાં હતા.ત્યારે સ્વયંસેવકો તેમને ઘેર આવતા.૧૯૧૯ થી તેમણે સામાજિક,રાષ્ટ્રીય સેવા કાર્યોની શરૂઆત કરેલી.તેમાં અછૂતોદ્ધાર,પ્રોઢશિક્ષણ,સહકારી પ્રવૃત્તિ વગેરે મુખ્ય હતા.૧૯૩૦-૩૧ નિ સ્વરાજ્યની લડત દરમ્યાન તેમણે કોંગ્રેસ છાવણી ,પ્રભાતફેરી,વાનરસેના,પત્રિકા,મદ્યનિષેધ,વિલાયતી કાપડનો બહિષ્કાર વગેરે કામોમાં બહારથી પણ સક્રિય સહાય કરેલી શ્રીમતી મીઠુબહેન પીટીટની પ્રેરણા અને સલાહથી તેમણે શરૂઆતમાં ૧૭ બહેનોને છાવણી રૂપે પોતાને ઘેર રાખેલા તા.૨૧-૧૨-૧૯૩૦ થી મંદિરમાં તથા આજુબાજુના ઘરોમાં એ બહેનોને રાખવાની ગોથવણ કરેલી.દિવસે બહેનો બહાર કામ કરતા.તા.૨૪-૧૨-૧૯૩૦ ના રોજ તેમની ધરપકડ થયેલી અને તેમને ચીખલી તેમજ વલસાડ લોકપમાં રાખવામાં આવેલા ઘરબાર તથા જમીનની જપ્તી માટે નોટિસ કાઢવામાં આવેલી.ગાંધી – ઈરવિન કરાર થતા મુક્તિ મળેલી અને જપ્તીના હુકમો પાછા ખેંચાયેલા.૧૯૨૭ માં તેમણે ખેરગામ સહકારી મંડળી સ્થાપી અને તેના મંત્રી તરીકે વર્ષો સુધી સેવા આપી હતી.તેમણે અનાજની સહકરી મંડળી પણ સ્થાપી હતી.૧૯૩૦-૩૧ દરમ્યાન જીલ્લા પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરીને કેટલાંક આદિવાસી કોમના ધોડિયા જાતિના કુટુંબોને ત્રણ રૂપિયે એકરના હિસાબે પાંચસો એકર જમીન અપાવી હતી.સુરત જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે તેમને પંદર વર્ષ મુંબઈ ઇલાકામાં તેમજ પાછળથી ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તરીકે કામ કર્યું હતું.તેમણે ખેરગામ વિસ્તારમાં ચાલતી ખ્રિસ્તી ધર્મની વટાળ પ્રવૃત્તિઓને અટકાવવા ખેરગામ ખાતે આર્યકુમાર આશ્રમનિ સ્થાપના કરીને  કાર્યમાં બહુ પરિશ્રમ કર્યો હતો. ૧૯૩૭ માં વિધાનસભાની ચૂંટણીના એક દિવસ અગાઉ ભીમભાઈ નાયક (સુરત જીલ્લા લોકલ બોર્ડના તત્કાલીન પ્રમુખ અને સ્કુલ બોર્ડ ના ચેરમેન ) ને ત્યાં પાંચ ગામોનાં અગ્રણીઓને બોલાવેલા તેમાં શ્રી મકનજીભાઈ પણ હતા. પરંતુ તેમણે કોંગ્રેસના ઉમેદવાર શ્રી મોરારજીભાઈ દેસાઈ વગેરે માટે કામ કરેલું તેથી તેમની બદલી ખેરગામ થી વાલોડ કરવામાં આવેલી. તેમણે ત્યાના લોકોને સંગઠિત કરીને મલેકપુર વાલોડ નો ત્રણેક માઈલનો રસ્તો સ્વાશ્રયથી કરાવેલો.
         ૧૯૪૨ માં હિંદછોડો લડત દરમ્યાન શ્રી લાલભાઈ ડાહ્યાભાઈ નાયક ,પરભુભાઈ પટેલ વગેરે સાથે ભૂગર્ભ પ્રવૃતિઓમાં ભાગ લીધો હતો.૧૯૫૮ માં બહેનોને પ્રેરણા આપીને ખેરગામ મહિલામંડળનિ સ્થાપના કરી હતી.તેમના પત્ની શ્રીમતી લલિતાબહેન મકનજી દેસાઈએ તેનું પ્રમુખપદ સંભાળ્યું હતું.૧૯૬૩ માં શ્રીમતી હેમનલિનીબહેન તથા શ્રી નિયોગીભાઈ મહાદેવિયા દંપતીના સહકારથી ફાળો ભેગો કરીને બાલમંદિર માટે પાકું (  આર.સી.સી.નું ) મકાન બંધાવેલું.જીવનના અંત સુધી તેમણે મહિલામંડળ તથા બાલમંદિરના વહીવટ તથા હિસાબી કાર્યમાં દોરવણી આપી હતી.શ્રી મકનજીભાઈએ દસ વર્ષ સુંતર કાત્યું હતું.
      સ્વરાજ્યની પ્રાપ્તિ બાદ ગ્રામોદ્વાર વિષે તેમણે મૌલિક ચિંતન મનન કરીને એક વિસ્તૃત નોધ તૈયાર કરેલી તેની નકલ શ્રી ડી.ટી.લાકડાવાલા (આયોજન પંચના ઉપાધ્યક્ષશ્રી ) અને બાબુભાઈ જશભાઈ પટેલ ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રીને મોકલી હતી.

સ્રોત : ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીઓ

Post a Comment

0 Comments