સ્વાતંત્ર વીરોની વાત નિકળે ત્યારે ખુદીરામ બોઝનું નામ અવશ્ય યાદ આવે છે. ખુદીરામ ૧૮ વર્ષ ૮ મહિના અને ૮ દિવસની સૌથી નાની વયે ચડનારા ભારતના પ્રથમ ક્રાંતિકારી હતા. અંગ્રેજો ખુદીરામની નિડરતા અને વીરતાથી એટલા આતંકિત હતા કે ફાંસી આપવામાં તેમની નાની ઉંમરનો પણ વિચાર કર્યો ન હતો. ખુદીરામ બોઝનો જન્મ ૩ ડિસેમ્બર ૧૮૮૯ના રોજ બંગાળના મિદનાપુર જિલ્લાના હબીબપુર ગામમાં થયો હતો.ખુદીરામ નાના હતા ત્યારથી જ માતા પિતાનું અવસાન થયું હતું.તેમના પરીવારમાં સૌથી મોટા બહેને પાળી પોષીને મોટા કર્યા હતા.
૧૯૦૫માં બંગાળાના ભાગલાની ઘટના પછીના અંગ્રેજ સરકાર વિરોધી આંદોલનમાં ખુદીરામે ભાગ લીધો ત્યારે માત્ર ૧૪ વર્ષના હતા. સત્યેનબોઝના નેતૃત્વમાં ખુદીરામે પોતાનું ક્રાંતિકારી જીવન શરુ કર્યુ હતું.તેઓ સ્કૂલમાં અભ્યાસ કરતા ત્યારથી જ રાજકિય ઘટનાઓ જાણવામાં અને ભાગ લેવામાં રસ ધરાવતા હતા.તેઓ નાના મોટા વિરોધ પ્રદર્શનમાં ભાગ લઇને અંગ્રેજ હકુમત વિરોધી નારા લગાવતા હતા.તેઓ આઝાદીના રંગે એવા રંગાયા કે ૯ માં ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો. તેઓ રિવોલ્યૂશનરી પાર્ટીમાં જોડાયા અને વંદે માતરમની પત્રિકાઓ વિતરણ કરવામાં આગળ પડતા રહયા હતા.૬ ડિસેમ્બર ૧૯૦૭ના રોજ બંગાળના નારાયણગઢ રેલવે સ્ટેશન પર એક બોંબ વિસ્ફોટમાં પણ બોઝે ભાગ લીધો હતો.
ખુદીરામ બોઝે કોલકતાના મેજીસ્ટ્રેટ ડગલસ એચ કિંગ્સફોર્ડની બગ્ગી પર બોંબ ફેકયો હતો. આ કામ પાર પાડવા માટે બોઝને પ્રફુલ્લચંદ્ર ચાકીએ મદદ કરી હતી.આ બંને ક્રાંતિકારીઓએ કિંગ્સફોર્ડની બગ્ગીનો પીછો કરવા માટે મેદિનીપુર બિહારથી મુઝફ્ફરપુર સુધીની પગપાળા યાત્રા કરી હતી. બોંબ ફેક્યા પછી અંધારાનો લાભ લઇને બંને સાથીદારો ભાગી છુટયા હતા. કમનસિબે આ બગ્ગીમાં કિગ્સફોર્ડ ન હતો પરંતુ તેની પત્ની અને પુત્રીનું મુત્યુ થયું હતું. સમસ્તીપુર તરફના રસ્તામાં ૨૪ માઇલ સુધી દોડયા પછી વેની નામના એક સ્ટેશન પાસે બે સિપાહીઓએ પકડી લીધા હતા.
પ્રફુલ્લચંદ્ર ચાકીએ ખુદને ગોળીમારીને આત્મ સમર્પણ સ્વીકારવાના સ્થાને મોત વ્હાલું કર્યુ હતું પરંતુ ખુદીરામ પકડાઇ ગયા હતા.ખુદીરામ પર કાનુની ખટલો ચાલ્યો ત્યારે જે માનસિક સ્વસ્થતા અને નિડરતા જોવા મળતી હતી તે ગજબની હતી.તેમણે ફાંસીએ ચડતા પહેલા હાથમાં ભગવદ ગીતા રાખી હતી. ફાંસી પછી ખુદીરામની લોકપ્રિયતાએ હદે વધી હતી કે બંગાળમાં એક ખાસ પ્રકારની ધોતી વણવામાં આવતી તેના પર ખુદીરામ નામ લખેલું હોતું હતું. બંગાળના નવલોહિયા યુવાનો ખુદીરામ લખેલી ધોતી પહેરીને આઝાદીના આંદોલનમાં કુદી પડયા હતા.
0 Comments