ખેરગામના યુવાનોની ટીમ દ્વારા કાળીચૌદશની રાત્રે અંધશ્રદ્ધા નાબુદી માટે સ્મશાનમા ખીચડી-શાકનો પ્રયોગ.
વર્ષોથી અંધશ્રદ્ધાના આંચળ હેઠળ વિવિધ ગેરમાન્યતાઓને લીધે કાળીચૌદસની ઘનઘોર રાત્રીનું નામ સાંભળતા જ નબળા હૃદયના લોકોના મનમાં ભયનું લખલખું પસાર થઇ જતું હોય છે.એના લીધે અસામાજિક લોકોને સ્મશાનોમા જઈને ગેરકાયદેસર પ્રવૃતિઓ કરવાની જાણે રીતસરની છૂટ મળી ગઈ છે.એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નથી મરતા એટલે જ આવા લેભાગુ તત્વો તાંત્રિક વિધીને નામે પૈસા ખંખેરવાના ધંધામાં માહેર બન્યા છે.ખેરગામના જાગૃત યુવાનો દ્વારા અંધશ્રદ્ધા અને કુરિવાજો સામે જનજાગૃતિ લાવવા માટે છેલ્લા 5 વર્ષથી અલગ અલગ સ્મશાનગૃહોમાં જઈ રાત્રીના સમયે મોટી સંખ્યામાં લોકો સાથે મળીને ખીચડી-કઢીનો કાર્યક્રમ કરવામાં આવે છે.હાલમાં જ તાલાળા ખાતે એક નરાધામ પિતા દ્વારા પુત્રપ્રાપ્તિની લ્હાયમાં તાંત્રિક સાથે મળીને 14વર્ષની દિકરીની 7 દિવસ ગોંધી રાખી આઠમા દિવસે કરપીણ હત્યા કરવામાં આવી.આવા તો અનેક પ્રસંગો અમારે ત્યાં આવતા હોય છે જેમાં સંતાન નહીં થવાના કિસ્સાઓમાં માસિકના ભાગે ડામ આપવામાં આવતા હોય છે.માતાઓને દિકરીના જન્મ પછી અને માસિકના સમયે કોઢમાં સુવાની ફરજ પાડવામાં આવતી હોય છે. નાના ધાવણીયા બાળકોને શરીર પર ડામ આપવામાં આવતો હોય છે.આવા તો અનેક કિસ્સાઓ અમારા ધ્યાનમાં છે.21મી સદીમા માણસ ચંદ્ર પર પહોંચી ગયો છે પરંતુ હજુસુધી ભૂત-પ્રેત,ચુડેલ,વશીકરણ,પૈસા ડબલ કરવા વગેરે અંધશ્રદ્ધા માંથી બહાર નથી નીકળ્યો.
તારીખ -૨૩-૧૦-૨૦૨૨ની રાત્રે નાંધઈ ગુપ્તેશ્વર મંદિર નજીક આવેલ સ્મશાનગૃહમાં મોટી સંખ્યામાં ભેગા થઇ ખીચડી-શાકનો કાર્યક્રમ રાખી રાત્રે 2 વાગે સુધી સ્મશાનમા બેસેલા રહ્યા પરંતુ યુવાનોને એવું કઈપણ ભયજનક જણાયું નહતું. ખેરગામના યુવાનોની સતત 5 વર્ષથી ચાલતી આ પહેલથી અનેક યુવાનો જાગૃત થઇ રહ્યા છે અને અંધશ્રદ્ધામાંથી બહાર આવી રહ્યા છે અને ખેરગામના યુવાનોનો પ્રયાસ રહેશે તેથી અંધશ્રદ્ધાનું સંપૂર્ણ નિવારણ થઇ જાય.
આ કાર્યક્રમમા ખેરગામ તાલુકાના પ્રમુખ મિન્ટેશ પટેલ,મંત્રી ઉમેશ પટેલ,કાર્તિક પટેલ,પ્રવક્તા કીર્તિ પટેલ,દલપત પટેલ સભ્યો ડો.નીરવ,ડો. કૃણાલ,ભાવેશ,રીંકેશ, ભાવિન તેમજ સરપંચ રાજેશભાઈ,પ્રવીણભાઈ, આસ્તિકભાઈ,હિરેન,મિલન,વિકાસ,મિતેષ, રિયાંશ,અનિલભાઈ,નલિનીબેન,મયુર,પ્રિન્સ, કૃણાલ સહિતના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
લેખ સૌજન્ય : ડૉ. નિરવ પટેલ



0 Comments