શું આપણે પછાતપણા/રુઢિચુસ્તતા/આભડછેટની મનોવૃત્તિથી આઝાદીના ૭૫ વર્ષ પછી પણ ખરા અર્થમાં આઝાદ થયા છીએ ખરા?

આઠ વર્ષના ઈન્દ્રને; કયાં ખ્યાલ હતો કે પોતે પાણી પીવા માટે આઝાદ નથી !

દેશમાં આઝાદીની 75મા વર્ષની ઊજવણી થઈ રહી છે. રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં સરસ્વતી વિદ્યા મંદિરના સંચાલક અને શિક્ષક છૈલસિંહે 20 જુલાઈ 2022ના રોજ, ત્રીજા ધોરણમાં ભણતા 8 વરસના ઈન્દ્રને એટલો માર માર્યો કે ડીસા/મહેસાણા/ઉદયપુર/અમદાવાદ સારવાર કરાવી; પરંતુ 13 ઓગષ્ટ 2022ના રોજ  ઈન્દ્રનું મોત થઈ ગયું ! 

ઈન્દ્રનો વાંક શું હતો? તેને તરસ લાગી હતી એટલે તેણે શિક્ષકના માટલામાંથી પાણી લઈને પીધું ! ઈન્દ્રને ખ્યાલ ન હતો કે શાળામાં જાતિ મુજબ પાણીની મટકી રાખવામાં આવે છે ! એને ખ્યાલ ન હતો કે પોતે પાણી પીવા માટે આઝાદ નથી ! તેને ખ્યાલ ન હતો કે પોતાની જાતિ કઈ છે? સમાજ જેને નફરત કરે છે તે શૂદ્ર વર્ણમાં તેનો જન્મ થયો છે, તેની સમજ તેને ન હતી ! ઈન્દ્ર શૂદ્ર હતો તેથી છૈલસિંહનો ગુસ્સો આસમાને પહોંચ્યો અને ઈન્દ્રને એટલો માર્યો કે તેની આંખ અને કાન ડેમેજ થઈ ગયા ! વિચારો; મટકીમાંથી પાણી પીવાના વાંક બદલ દલિત બાળકને ઢોરમાર મારી હત્યા કરે; એ શિક્ષકના મનમાં જાતિવાદનું ઝેર કેટલું ભરેલું હશે? ગૌમૂત્ર પીવાથી શુદ્ધ થઈ જવાય અને બાળકે સ્પર્શ કરેલ પાણીના કારણે અશુદ્ધ થઈ જવાય; આ કેવી માનસિકતા?

સૌથી મોટો સવાલ એ છે કે શું આ આતંકવાદી ઘટના નથી? જાતિવાદ એ આતંકવાદ કરતા વધુ ક્રૂર/જંગલી વિચારધારા નથી? જેમના મનમાં વર્ણ/જાતિનું ઝેર ફેલાયેલું છે; એવા લોકો તિરંગો લઈને દેશભક્તિનો ઢોંગ કરવા ભીડમાં સામેલ થઈ જાય છે ! શું આપણે પછાતપણા/રુઢિચુસ્તતા/આભડછેટની મનોવૃત્તિથી આઝાદ થયા છીએ?

Courtesy : ( રમેશ સવાણી - નિવૃત આઈપીએસ) 







"શિક્ષક તરીકે હું આ ઘૃણાસ્પદ શર્મનાક  કૃત્યને હું સખત શબ્દોમાં હું વખોડું છું. આંતકવાદીની જેમ  હત્યા કરનાર શિક્ષક  શિક્ષક સમાજ માટે લાંછનરૂપ કિસ્સો છે. જાતિવાદનું ઝેર સરસ્વતીના મંદિરમાં  પ્રસરી ગયું, એ વાત વર્તમાન પ્રવાહમાં પણ આઘાત પહોંચાડનારી ગણાય.  કડકમાં કડક સજા થવી જ જોઈએ. 

 JJN KHERGAM ADMIN

Post a Comment

0 Comments